રાજસ્થાનમાં યોજાયેલી જિલ્લા પ્રમુખની ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. આ ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) ને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે કોંગ્રેસે રાજ્યના અનેક જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખની ખુરશી પર પોતાનો કબ્જો જમાવીને જોરદાર વાપસી કરી છે. ખાસ કરીને બ્યાવર (Beawar) જિલ્લા પરિષદના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે, જ્યાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.
બ્યાવર જિલ્લા પરિષદની કુલ 27 બેઠકોમાંથી ભાજપ પાસે 14 અને કોંગ્રેસ પાસે 13 બેઠકો હોવા છતાં ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. અહીં કોંગ્રેસના ઉમેદવાર મમતા ગુર્જરે ભાજપના ઉમેદવાર નિર્મલા દેવીને માત્ર એક વોટના અંતરથી હરાવીને બ્યાવરના પ્રથમ જિલ્લા પ્રમુખ બનવાનું ગૌરવ મેળવ્યું છે. ભાજપના જ એક સભ્ય દ્વારા કરવામાં આવેલા ‘ક્રોસ વોટિંગ’ને આ મોટા રાજકીય ઉલટફેરનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. બહુમતી હોવા છતાં પોતાના સભ્યોને એકજૂથ રાખવામાં નિષ્ફળ રહેતા ભાજપ છાવણીમાં ભારે ખળભળાટ મચી ગયો છે.