ખેડા જિલ્લા શિક્ષણ વિભાગના વિવાદિત પરિપત્રથી ભારે રોષ: RTEના ગરીબ વિદ્યાર્થીઓને માત્ર SBI અને BOB બેંકના જ ખાતા આપવા ફરજ પાડતા વિવાદ; ₹2,500-3,000ની સહાય માટે ₹1,000 ખર્ચી નવું ખાતું ખોલાવવું કેટલું યોગ્ય?
ખેડા/નડિયાદ: ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક તઘલખી અને વિવાદિત પરિપત્રને કારણે શિક્ષણ જગત અને ગરીબ વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓના વાલીઓ પર જોહુકમી કરતા આ પરિપત્રમાં એવું ફરમાન કરવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓના બેંક ખાતા માત્ર SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) અને BOB (બેંક ઓફ બરોડા) ના હશે તો જ સ્વીકારવામાં આવશે.
તંત્રની સાનુકૂળતા માટે ગરીબ પરિવારો પર વધારાના ખર્ચનો બોજ
સામાન્ય રીતે RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી ₹૨,૫૦૦ થી ₹૩,૦૦૦ની સહાય તેમના વાલીઓના જે-તે બેંકમાં પહેલેથી ચાલુ ખાતા હોય તેમાં જ જમા કરવામાં આવતી હોય છે. પરંતુ ખેડા જિલ્લા શિક્ષણ વિભાગે પોતાની વહીવટી સાનુકૂળતા અને કામગીરી દેખાડવા માટે માત્ર બે જ રાષ્ટ્રીયકૃત બેંકો (SBI અને BOB) ના ખાતા ફરજિયાત બનાવતો પરિપત્ર જારી કર્યો છે.
‘₹૨,૫૦૦ની સહાય માટે ₹૧,૦૦૦ ખર્ચી નવું ખાતું ખોલાવવું કેટલું યોગ્ય?’
શિક્ષણ વિભાગના આ નિર્ણય સામે વાલીઓ અને જાગૃત નાગરિકોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો કે જેમના અન્ય બેંકોમાં ખાતા પહેલેથી જ કાર્યરત છે, તેઓને હવે માત્ર ₹૨,૫૦૦ થી ₹૩,૦૦૦ જેટલી સહાયની રકમ મેળવવા માટે અંદાજે ₹૧,૦૦૦નો ખર્ચ કરીને SBI અથવા BOBમાં નવું ખાતું ખોલાવવા મજબૂર થવું પડી રહ્યું છે. તંત્રની સુવિધા માટે ગરીબ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આર્થિક અને માનસિક રીતે હેરાન કરતો આ પરિપત્ર કેટલો યોગ્ય છે તેવા સવાલો ઉઠી રહ્યા છે, અને આ વિવાદિત પરિપત્ર તાત્કાલિક રદ કરવાની માંગ ઉગ્ર બની છે.
બોક્સ મેટર: ખેડા શિક્ષણ વિભાગના પરિપત્રથી સર્જાયેલા વિવાદની હાઇલાઇટ્સ
-
ફરમાન: નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના RTE વિદ્યાર્થીઓના માત્ર SBI અને BOB બેંકના ખાતા જ સ્વીકારવા પરિપત્ર.
-
અસર: અન્ય બેંકોમાં ખાતા ધરાવતા ગરીબ વાલીઓને ₹૨,૫૦૦-૩,૦૦૦ની સહાય માટે ₹૧,૦૦૦ ખર્ચી નવું ખાતું ખોલાવવાની ફરજ પડી.
-
માંગ: તંત્રની સાનુકૂળતા માટે ગરીબો પર જોહુકમી કરતો પરિપત્ર પાછો ખેંચી તમામ બેંકોના ખાતા માન્ય રાખવામાં આવે.