દેશ-વિદેશમાં ઝડપાતા બોગસ કોલ સેન્ટરોમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદનું કનેક્શન નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજસ્થાનના જોધપુરમાંથી પોલીસે ઝડપી પાડેલા એક હાઈ-ટેક નકલી કોલ સેન્ટરના મૂળિયાં અમદાવાદ સુધી જોડાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જોધપુરના બાસની વિસ્તારની ગલી નંબર 6માં છેલ્લા 8 મહિનાથી ધમધમતા આ કોલ સેન્ટર પર પોલીસ કમિશનર અંશુમન ભોમિયા અને ડીસીપી શાહીન સી.ના નિર્દેશ હેઠળ કમિશનરેટ સ્પેશિયલ ટીમ (CST) દ્વારા મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં વિદેશી નાગરિકોને ગિફ્ટ કાર્ડ અને વાઉચર રિડીમ કરવાના બહાને ઠગતા 30થી 35 યુવક-યુવતીઓને રંગેહાથ ઝડપી લેવાયા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર આંતરરાષ્ટ્રીય ઠગાઈ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અમદાવાદના બે શખ્સો છે. પોલીસે બંને માસ્ટરમાઇન્ડ મૌલિક પંડ્યા અને હરવિજયસિંહ ગોહિલની ધરપકડ કરી લીધી છે. આરોપી મૌલિક પંડ્યા અમદાવાદના પ્રહલાદનગર સ્થિત સ્વાતિ ગાર્ડનિયાના પેન્ટહાઉસ નંબર 14.4માં રહે છે, જ્યારે હરવિજયસિંહ ગોહિલ નુપૂર ટાવરના મકાન નંબર 503નો રહેવાસી છે.
CST પ્રભારી એસઆઈ મેહરાજ તંવરની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી કમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કોલિંગ સોફ્ટવેર, વીપીએન (VPN), આઈપી એડ્રેસ, વોટ્સએપ-ટેલિગ્રામ ચેટ્સ અને બેંકિંગ વ્યવહારોની ડિજિટલ ફોરેન્સિક તપાસ તેજ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 20 જાન્યુઆરી 2026ના રોજ પણ જોધપુર પોલીસે ₹1,100 કરોડની સાયબર ઠગાઈ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો હતો. હાલ બંને અમદાવાદી આરોપીઓની સઘન પૂછપરછમાં હવાલા નેટવર્ક અને અન્ય સાગરીતોના મોટા ખુલાસા થવાની શક્યતા છે.
