ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરને જેલ ભેગો કરાયો છે. આ કેસમાં હવે આગામી પહેલી તારીખે કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા માટે લગાવેલા પોસ્ટર ફાડવાનો મામલો સામે આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે આ પોસ્ટરો ઉખાડી નાંખવામાં આવ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ગઈકાલે બે શખ્સોએ આ બેનરો ફાડ્યા હોવાનો બનાવ સામે આવતા કોળી સમાજે ફરિયાદ કરી હતી. બોર તળાવ પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી હતી.
બોર તળાવ પોલીસ બે શખ્સોની કરી ધરપકડ
ભાવનગરની બોર તળાવ પોલીસે કોળી સમાજ દ્વારા ન્યાય સભા માટે લગાવવામાં આવેલા બેનરો ફાડવા અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં બેનરો ફાડનારા બે શખ્સો ઝડપાયા હતાં. ભાવનગરની બોર તળાવ પોલીસે વિશાલ ભાનુભાઈ ઢીલા અને વિશાલ રાજુભાઈ કોતરની ધરપકડ કરી હતી. બગદાણા ગામના નવનીત બાલધિયાની સાથે મારામારીનો બનાવ બન્યો છે, જે બાબતમાં કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજનો આભાર માનવા માટે ન્યાય સભાનુ આયોજન કુંભારવાડા અક્ષર પાર્ક ખાતે મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ સભાના આયોજન બાબતે પ્રચાર અને પ્રસાર હેતુથી અલગ-અલગ જગ્યાએ કોળી સમાજના સ્વયં સેવકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યાં હતા.