કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે. પ્રોહિબિશનનો કડક અમલની ગુલબાંગો ફૂંકવામાં આવે છે ત્યારે અમદાવાદના સાણંદમાં પોલીસે માલેતુજારોની દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો. સાણંદના ગોરસ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં ચાલી રહેલી દારૂ અને હુક્કાની હાઈપ્રોફાઈલ મહેફિલ પર પોલીસે રેડ કરી હતી. જેમાં 81 જેટલા યુવકો અને યુવતીઓની અટકાયત કરાઈ હતી.

20થી વધારે લકઝુરીયસ ગાડીઓ પોલીસ દ્વારા કબજે લેવાઈ
એક દંપતીની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા.વિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો.પોલીસે રેડ કરતાં જ આખી મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે 81 યુવક-યુવતીઓની અટકાયત કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ ગઈ હતી. આ રેડમાં 10થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે. અટકાયતમાં લેવાયેલા લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા.મહેફિલમાં 20થી વધારે લકઝુરીયસ ગાડીઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.

કોણ હતું આ પાર્ટીનું આયોજન કરનાર
સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ ગોરજ ગામ ની સીમમાં આવેલ સફલ નિર્વાણા ગ્રીન્સ ખાતે પાર્ટીનુ આયોજન કરનાર અમિત ગોપીલાલ પચેરીવાલ ઉ.વ.૪૯ રહે.જયંત મહેલ, ડી-રોડ, મરીન ડ્રાઇવ, વાનખેડે સ્ટેડીયમની સામે, મુંબઇ વાળા નાએ પોતાના સાઢુ આદર્શ અગ્રવાલ નાઓની ૨૫મી એનીવર્સરી હોય તેની ઉજવણી કરવા સારૂ પાર્ટીનુ આયોજન કરી તેના મિત્ર રવી ગોરખપુરીયા નાઓનુ સફલ નિર્વાણા ગ્રીન્સનો પ્લોટ નં.૨૦૦ ખાતે મહિલા તથા પુરૂષ મિત્રોને આમંત્રીત કરી પરપ્રાંતિય વિદેશીદારૂનો જથ્થો લાવી ગે.કા. અને વગર પાસ પરમિટે દારૂની મેજબાની કરી મહેફિલ માણી અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની કાચની શીલબંધ બોટલ નંગ-૦૮ કુલ કિ.રૂ.૪૩,૫૫૦/- તથા અર્ધ દારૂ ભરેલ કાચની ખુલ્લી બોટલ નંગ-૦૭ કિ.રૂ.૦૦/- તથા અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની ખાલી બોટલો નંગ-૦૩ કિ.રૂ.૦૦/- તથા દારૂ પીવા માટેના કાચના ગ્લાસ નંગ-૭૦ કિ.રૂ.૭૦૦/- તથા રબ્બરની પાઇપવાળા હુક્કા નંગ-૧૦ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા હુક્કાની ફ્લેવર્સના પેકેટ નંગ-૦૮ કિ.રૂ.૦૦/- તથા હુક્કાની ફ્લેવર્સના પ્લાસ્ટીકના ડબ્બા નંગ-૩૩ કિ.રૂ.૦૦/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૭૪ કિં.રૂ.૨૬,૩૦,૦૦૦/- તેમજ ફોરવ્હીલ ગાડીઓ નંગ-૨૨ કિ.રૂ.૨,૬૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૯૧,૮૪,૨૫૦/-ના મુદામાલ સાથે મળી આવેલ હોય તેઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૬૬(૧)(બી), ૭૫(એ), ૮૫(૧)(૩), ૮૧, ૮૪, ૮૬ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.