અમદાવાદ / ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્રેકિંગ:
અમદાવાદ શહેરની ઓળખ બદલી નાખે અને દુબઈ જેવી આધુનિક સ્કાયલાઇનની ઝલક આપે તેવા એક ભવ્ય અને આઇકોનિક પ્રોજેક્ટની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ ખાતે રૂ. ૫૭૦ કરોડના અંદાજિત ખર્ચે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ વિકસાવવાનું આયોજન હાથ ધરાયું છે.
૧૭૫ મીટર ઊંચો આઇકોનિક ટાવર અને સુવિધાઓ:
આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ ૧૭૫ મીટર ઊંચો આઇકોનિક ટાવર રહેશે. ટાવરમાં ૪૦ મીટરની ઊંચાઈએ ૧૨૦૦થી વધુ લોકોની ક્ષમતા ધરાવતી બે માળની રેસ્ટોરન્ટ અને ટેરેસ ડેક કેફે બનશે. જ્યારે ૧૭૫ મીટરની ટોચે સ્કાય ડેક અને સ્કાય વોકથી આખા અમદાવાદનો પેનોરેમિક વ્યુ નિહાળી શકાશે. ટાવર પર વિશાળ ડિજિટલ સ્ક્રીન પણ લગાવવામાં આવશે.
બેઝમેન્ટ પાર્કિંગ, આર્ટ ગેલેરી અને એમ્ફીથિયેટર:
૧૩,૧૪૪ ચોરસ મીટર પ્લોટ એરિયામાં આકાર લેનારા આ કેમ્પસમાં ૩ બેઝમેન્ટમાં ૩૮૫ કાર અને ૧૧૦૯ ટુ-વ્હીલરનું પાર્કિંગ રહેશે. આ ઉપરાંત, ૫૦ કોમર્શિયલ દુકાનો, આર્ટ ગેલેરી, ૩૦૮ લોકો માટેનું એમ્ફીથિયેટર, સોલર ટ્રી અને ૧૭ લિફ્ટની સુવિધા ઊભી કરાશે. ટેન્ડર બહાર પાડી દેવાયું છે અને કામ શરૂ થયાના ૪૨ મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.