અમદાવાદ અને ગાંધીનગરના લાખો વીજ ગ્રાહકોના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. ખાનગી વીજ વિતરણ કંપની ટોરેન્ટ પાવર (Torrent Power) દ્વારા વીજળીના ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ના દરોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પરિણામે આગામી દિવસોમાં ગ્રાહકોના વીજળી બિલ વધુ મોંઘાં આવશે.
કંપની દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ, અગાઉ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ પેટે પ્રતિ યુનિટ ₹3.72 વસૂલવામાં આવતા હતા. જોકે, હવે તેમાં પ્રતિ યુનિટ 29 પૈસાનો વધારો કરીને ફ્યુઅલ સરચાર્જ ₹4.01 પ્રતિ યુનિટ કરી દેવામાં આવ્યો છે. ફ્યુઅલ સરચાર્જમાં થયેલા આ સીધા વધારાને કારણે રહેણાક તેમજ કોમર્શિયલ વીજ વપરાશકારોના માસિક બજેટ પર અસર પડશે અને બિલની રકમમાં નોંધપાત્ર વધારો થશે.
