નાયબ મુખ્યમંત્રીથી લઈને ધુરંધર મંત્રીઓ સુધી: ગુજરાતના રાજકારણમાં 72 કલાકના પ્રવાસનું મોટું રહસ્ય; આદિવાસી બેઠકો પર કેમ ફાળવાઈ વિશેષ જવાબદારી?
ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં અચાનક સામે આવેલી ૭૨ કલાકના પ્રવાસની એક ખાસ યાદીએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ યાદીની સૌથી મોટી અને ચોંકાવનારી બાબત એ છે કે દરેક મંત્રીના નામની સામે જે વિધાનસભા બેઠકો ફાળવવામાં આવી છે, તે મોટાભાગે આદિવાસી વિસ્તાર સાથે જોડાયેલી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે પછી મંત્રીમંડળના અન્ય કદાવર અને ધુરંધર મંત્રીઓ — સૌને અલગ-અલગ આદિવાસી બેઠકો પર સતત ૭૨ કલાક (ત્રણ દિવસ) રોકાણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રીની શરૂઆત બાદ મંત્રીઓની ફૌજ આદિવાસી પટ્ટામાં
તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તાર ગરબાડાના અંતરિયાળ ગામડાઓમાં ૭૨ કલાકનો પ્રવાસ કરીને ગ્રામજનો સાથે ‘ખાટલા બેઠક’ અને સીધો સંવાદ કર્યો હતો. ત્યારબાદ હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સમગ્ર મંત્રીમંડળને રાજ્યની આદિવાસી અનામત અને આદિવાસી બહુલ બેઠકો પર ૭૨ કલાક વિતાવવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યું છે.
માત્ર લોકસંપર્ક કે પછી રાજકીય સમીકરણો સાધવાની મોટી રણનીતિ?
રાજકીય વિશ્લેષકોના મતે, મંત્રીઓનો આ ૭૨ કલાકનો પ્રવાસ માત્ર રૂટિન લોકસંપર્ક નથી, પરંતુ તેની પાછળ ઊંડી રાજકીય રણનીતિ છુપાયેલી છે. ગુજરાતના રાજકારણમાં આદિવાસી પટ્ટાની બેઠકો હંમેશા સત્તાના સમીકરણો નક્કી કરવામાં નિર્ણાયક રહી છે. અંતરિયાળ વિસ્તારોમાં સ્થાનિક નારાજગી દૂર કરવા, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે કે કેમ તેની સમીક્ષા કરવા અને વિપક્ષના પ્રભાવને ખાળવા માટે સરકાર અને સંગઠને આ માસ્ટરપ્લાન તૈયાર કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
72 કલાકના પ્રવાસ પાછળના ૩ મોટા સંકેતો
-
ગ્રાઉન્ડ ઝીરો પર ફીડબેક: ગાંધીનગરની એસી ચેમ્બરમાંથી બહાર નીકળી મંત્રીઓ પોતે આદિવાસી ગામોમાં રોકાઈને લોકોની વાસ્તવિક સમસ્યાઓ અને વહીવટી તંત્રની કામગીરીનો સીધો તાગ મેળવશે.
-
આદિવાસી વોટબેંક પર ફોકસ: આગામી ચૂંટણીઓ પૂર્વે આદિવાસી વિસ્તારોમાં પકડ વધુ મજબૂત કરવા અને સ્થાનિક આગેવાનો-કાર્યકરોમાં નવો જોશ ભરવાની કવાયત.
-
યોજનાઓનું અમલીકરણ: આદિજાતિ વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ કાગળ પર રહેવાને બદલે જમીન પર કેટલી ઉતરી છે તેનું સીધું ઓડિટ.
