અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓની સીધી અને ગંભીર અસર હવે ત્યાં વસતા ભારતીયો પર જોવા મળી રહી છે. અમેરિકન કમ્યુનિટી મીડિયાના એક તાજેતરના અહેવાલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે મુજબ અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્સી દ્વારા ભારતીય નાગરિકો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. જાન્યુઆરી 2025થી ઑગસ્ટ 2026 સુધીના આશરે 20 મહિનાના સમયગાળા દરમિયાન ICE દ્વારા કુલ 6,111 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ધરપકડ કરાયેલા આ ભારતીયોમાંથી 5,235 લોકોને અમેરિકાના વિવિધ ડિટેન્શન સેન્ટરોમાં અટકાયત હેઠળ રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2,349 ભારતીય નાગરિકોને અમેરિકામાંથી દેશનિકાલ (Deport) કરીને પરત મોકલી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ‘સ્ટોપ AAPI હેટ’ (Stop AAPI Hate) સંસ્થાએ પણ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અન્ય એશિયન સમુદાયોની સરખામણીએ ભારતીયોની ધરપકડ, અટકાયત અને દેશનિકાલના આંકડા સૌથી વધુ રહ્યા છે, જે અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે ચિંતાનો વિષય બન્યો છે.
