ગુજરાતમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ થયો છે. પોલીસે રહેણાંક મકાનની ખાલી જગ્યામાં ગાંજાની ખેતી કરીને તેનું વેચાણ કરતાં એક વૃદ્ધની ધરપકડ કરી છે. પોલીસની આ કામગીરીને કારણે સમગ્ર જિલ્લામાં નશાની હેરાફેરી કરનારા માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 75 વર્ષિય વૃદ્ધ ભીખાભાઈ મકવાણાને ઝડપીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપી ભીખાભાઇ મકવાણા ઝડપાયો
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં 75 વર્ષિય વૃદ્ધ ભીખાભાઈ મકવાણા રહેણાંક મકાનમાં ગાંજો ઉગાડીને તેનું ગેરકાયદે વેચાણ કરતા હતાં. મકાનના વાડામાં ચાર ફૂટ સુધીની લંબાઈના ગાંજાના છોડ મળ્યા હતાં. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. ચારથી પાંચ ફૂટની લંબાઈના ગાંજાના છોડ મળ્યા હતાં. પોલીસે રેડ પાડીને 27 લાખની કિંમતના 55 કિલો 320 ગ્રામ ગાંજાના છોડ કબજે કર્યા હતાં. આ વૃદ્ધને પકડીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.