વડોદરા કરજણ / હાઇવે અકસ્માત બ્રેકિંગ:
વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે ૪૮ (NH-48) પર કંડારી બ્રિજ અને કરજણ રેલવે ઓવર બ્રિજ નજીક એક ગંભીર અને બેદરકારીભરી ઘટના સામે આવી છે. વડોદરાથી ભરૂચ તરફ જતી લેન પર રોડ પર કેમિકલ જેવું ચીકણું પ્રવાહી ઢોળાતાં લગભગ ૧ કિલોમીટર સુધીનો રસ્તો ભારે સ્લિપરી બની ગયો હતો, જેના કારણે ૨૫થી વધુ બાઇકચાલકો સ્લિપ થઈને નીચે પટકાયા હતા.
રોડ પર લપસણો પદાર્થ હોવાને કારણે એક પછી એક ૨૫થી વધુ વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા અને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
તંત્રની ઘોર બેદરકારી: આટલી મોટી હોનારત અને અકસ્માતોની શ્રેણી સર્જાઈ હોવા છતાં ૨ કલાકથી વધુ સમય સુધી NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી)નું તંત્ર કે પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો નહોતો.
સ્થાનિક નાગરિકો બન્યા રક્ષક: તંત્રની ગેરહાજરી વચ્ચે કોઈનો જીવ ન જાય તે માટે સ્થાનિક નાગરિકોએ પોતે રોડ પર ઉભા રહીને આવતા-જતા વાહનચાલકોને હાથના ઇશારે ચેતવીને વાહનો ધીમા પડાવવાની કામગીરી હાથ ધરી હતી.