જૂનાગઢ / સાસણ ગીર બ્રેકિંગ:
એશિયાટિક સિંહોના વતન સમાન ગીર જંગલમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પડતર માંગણીઓને લઈને જૂનાગઢ ખાતે વન કર્મીઓએ આંદોલનનું રણસિંગું ફૂંક્યું છે, જેના ભાગરૂપે આજે ગીર, ગીરનાર અને ગીર સોમનાથ ડિવિઝનના ૫૦૦ થી વધુ વન કર્મચારીઓ ‘માસ સીએલ’ (Mass CL) પર ઉતરી ગયા છે.
આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ:
વનરક્ષક અને વનપાલ કર્મચારી મંડળના બેનર હેઠળ ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો આવતીકાલથી તેઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે. આ હડતાલના કારણે ગીરના જંગલોમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા અને દેખરેખને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
કર્મચારીઓની ૫ મુખ્ય માંગણીઓ:
વન કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સુરક્ષા અને સિક્યુરિટી એલાઉન્સ આપવું, રજાના દિવસે ફરજ બજાવવા બદલ ઓવરટાઇમ અને ડીએનો લાભ આપવો, પગાર વિસંગતતા દૂર કરવી, વનપાલની બંધ કરાયેલી ભરતી ફરી શરૂ કરવી અને સ્ટાફ ક્વાર્ટર-બદલીના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે.