ગાંધીનગર / ફાયર બ્રેકિંગ:
ગાંધીનગરના ગીયોડ ગામે શક્તિમાતા મંદિરની સામે આવેલા ‘મેઘા પ્લાસ્ટિક’ નામના ઇલેક્ટ્રિક મીટર કલેક્શન સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકની સામગ્રી હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ગાઢ કાળા ધુમાડાના ગોટા ઉડતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
૬ ફાયર સ્ટેશનના વાહનો કામે લાગ્યા:
ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે ૧૧૨ ઇમરજન્સી નંબર મારફતે કોલ મળતા જ સેક્ટર-૧૭ ફાયર સ્ટેશનથી પ્રથમ વાહન રવાના કરાયું હતું. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાટ, રાધેજા, હિંમતનગર અને દહેગામ ફાયર સ્ટેશનમાંથી કુલ ૦૬ ફાયર ફાઇટિંગ વાહનો (ગજરાજ અને બાઉજર) તાત્કાલિક ઘટનાસ્થળે દોડાવી દેવામાં આવ્યા હતા.
મશીનરી બચાવવામાં મોટી સફળતા:
ફાયર ટીમની સમયસર અને જહેમતભરી કામગીરીના પરિણામે FRP મેનહોલ મેન્યુફેક્ચરિંગ શેડ તથા તેની અંદર રહેલી કિંમતી ઉત્પાદન મશીનરીને આગની લપેટમાં આવતી બચાવી લેવામાં સફળતા મળી છે. જોકે, શેડની બહાર રાખેલા પ્લાસ્ટિકના ઇલેક્ટ્રિક બોક્સ અને રેપિંગ મટિરિયલનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. હાલ ફાયર ટીમ દ્વારા કુલિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે.