વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના કારણે વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમકી રહેલા એકતાનગરના પ્રવાસન વૈભવમાં વધુ એક ભવ્ય અને ઐતિહાસિક નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ એકતાનગર ખાતે ₹900 કરોડના જંગી ખર્ચે અત્યાધુનિક ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’નું નિર્માણ કરવામાં આવશે.
આ વિશ્વકક્ષાના મ્યુઝિયમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની ગૌરવશાળી શૌર્યગાથા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, ભવ્ય ઇતિહાસ અને આધુનિક વિકાસયાત્રાને વૈશ્વિક ફલક પર જીવંત કરવાનો છે. ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’માં કુલ 7 વિશેષ ગેલેરીઓ તૈયાર કરવામાં આવશે, જ્યાં મુલાકાતીઓ અત્યાધુનિક ઓગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ટેકનોલોજી અને આકર્ષક હોલોગ્રાફિક પ્રસ્તુતિઓના માધ્યમથી ગુજરાતના ભવ્ય વારસા અને પ્રગતિનો જીવંત અનુભવ કરી શકશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી એકતાનગર આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક મોટું આકર્ષણ ઊભું થશે.
