અંબાજી / નર્મદા / સ્ટેચ્યુ ઓફ યુનિટી બ્રેકિંગ:
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે આગામી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અર્થે શાનદાર તૈયારીઓ ચાલી રહી છે. આ વિશેષ અવસરે બનાસકાંઠાના ધાર્મિક અને પ્રાકૃતિક ધામ અંબાજીની પહાડીઓમાં વસતા વંચિત આદિવાસી બાળકો રાષ્ટ્રીય કક્ષાની એકતા પરેડમાં દેશભરમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડવા માટે સજ્જ થયા છે.
“ભીખ નહીં, શિક્ષણ”નો પ્રેરણાદાયી મંત્ર:
અંબાજી ખાતે ‘શ્રી શક્તિ સેવા કેન્દ્ર’ (SSSK) અને તેના અથાક માર્ગદર્શક શ્રી પરમાર નિતિનના નેતૃત્વમાં છેલ્લા ૧૬ વર્ષથી “ભીખ નહીં, શિક્ષણ” ના મૂળમંત્ર સાથે ચાલી રહેલા આ ભગીરથ કાર્યએ બાલમજૂરી કરતા બાળકોના જીવનમાં નવો પ્રકાશ રેડ્યો છે. સંસ્થા દ્વારા ૧૪ થી ૧૮ વર્ષની વયના ૨૫ આદિવાસી બાળકોને ‘બેગપાઇપર બેન્ડ’નું ખાસ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.
સતત ત્રીજી વખત રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન:
છ વર્ષની કઠોર મહેનત, શિસ્ત અને રિયાઝના બળે આ બાળકો સતત ત્રીજી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ‘એકતા પરેડ’માં પોતાનું અદભુત બેગપાઇપર બેન્ડ પ્રદર્શન આપવા જઈ રહ્યા છે. હાલ આ બાળકો એકતાનગરના પટાંગણમાં ઉત્સાહભેર રિહર્સલ કરી રહ્યા છે, જેના સુર સરદાર સાહેબની પ્રતિમાની છાયામાં ગુંજી ઉઠતા સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું છે.