રાજકોટ / મહાનગરપાલિકા બ્રેકિંગ:
રાજકોટ શહેર માટે દિવાળીના તહેવાર પહેલા બે મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. પીવાના પાણીની સ્થિતિ અને આગામી દિવાળી કાર્નિવલના આયોજન અંગે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ દ્વારા મહત્વપૂર્ણ નિવેદનો આપવામાં આવ્યા છે.
આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાના નીર:
શહેરમાં નાગરિકોને પીવાના પાણીની કોઈ જ મુશ્કેલી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી પૂર્વે જ રાજકોટનીજીવનદોરી સમાન આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે રાજકોટવાસીઓને પાણીની કોઈ સમસ્યા નહીં થાય. આ સાથે જ તેમણે નાગરિકોને અપીલ કરી છે કે પાણીનો બગાડ ન થાય અને જરૂરિયાત મુજબ જ તેનો ઉપયોગ કરવામાં આવે.
દિવાળી કાર્નિવલ કેન્સલ થવાની અફવાઓનું ખંડન:
સોશિયલ મીડિયા પર દિવાળી કાર્નિવલ રદ થયાની ફેલાયેલી અફવાઓ અંગે સ્પષ્ટતા કરતા મેયરશ્રીએ જણાવ્યું હતું કે કાર્નિવલ ચોક્કસપણે યોજાશે. આ વખતે તેમાં કંઈક નવું કરવાનો પ્લાન છે. લાઈટિંગના વપરાશ પર વિશેષ ધ્યાન અપાશે અને કોઈપણ પ્રકારનો ખોટો ખર્ચ ન થાય તેની તકેદારી રખાશે. આ અંગે આજે સાંજે જ ફાઈનલ મીટિંગ યોજાશે, જેમાં સમગ્ર કાર્યક્રમની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.