મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશની ઘટનામાં મોત થયું છે. બારામતીમાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સામે આવી છે. અજિત પવાર એક પ્રાઈવેટ ચાર્ટડ પ્લેનમાં સવાર હતાં. સૌથી પહેલા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચારો વહેતા થયા હતાં અને ત્યાર બાદ તેમનું આ દુર્ઘટનામાં મોત થયું હોવાની ખબરો સામે આવી હતી. આ પ્લેનમાં અન્ય લોકો પણ સવાર હતાં. ડીજીસીએ દ્વારા આ પ્લેન ક્રેશમાં 6 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે દેશમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાઓમાં દેશના અનેક મહાનુભાવોના નિધન થયાં છે. આવો જાણીએ દેશના કયા નેતા અને મહાનુભાવોએ પ્લેન ક્રેશની ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
અત્યાર સુધીમાં દેશના આ નેતાઓ અને મહાનુભાવોએ પોતાનો જીવ ગુમાવ્યો
13 જૂન 1980ના રોજ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વઃ ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. 24 જાન્યુઆરી 1966ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ હતી જેમાં દેશના મહાન વૈજ્ઞાનિક હોમી મહાંગરી ભાભાનું મૃત્યુ થયું હતું. 30મી સપ્ટેમ્બર 2001ના રોજ કાનપુરમાં એક રાજકીય રેલીમાં જતા ભૂતપૂર્વ રેલ્વે મંત્રી માધવરાવ સિંધિયાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ઉદ્યોગપતિ અને હરિયાણાના ઉર્જા મંત્રી ઓપી જિંદાલ અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહના પણ 2005માં હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયા હતા. 30 એપ્રિલ, 2011 ના રોજ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.2 સપ્ટેમ્બર 2009ના રોજ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાય.એસ.રાજશેખર રેડ્ડીનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.8 ડિસેમ્બર 2021ના રોજ સુલુરથી વેલિંગ્ટન જતી વખતે દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં ક્રેશ થયું હતું. તેમની પત્ની અને 11 અન્ય લોકો પણ તેમાં સવાર હતા. જયારે અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. આ ઘટનામાં લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષ અમીન ઉપરાંત કાર્ગો મોટર્સના પ્રમુખ નંદા સહિત તેમના અન્ય બે ફેમિલી મેમ્બરના પણ મૃત્યુ થયા હતાં.