ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરમાં અભ્યુદય મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતાં. તેમણે સમાજની એકતા અને શિક્ષણ મુદ્દે જાગૃતિને સમર્થન આપ્યું હતું. આ સંમેલનમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, આજે સમાજની સાથે રાજકીય આગેવાનો પણ એક મંચ પર છે. સમાજને એક કરવા માટે 15 વર્ષથી પ્રયાસો કર્યાં છે. આજે મને એવું લાગ્યું છે કે મારો સમાજ જાગી ગયો છે. વ્યસન મુક્તિની વિચારધારા મુકી ત્યારે લોકો હસતા હતાં.રાજ્યના ગામડાઓમાં 90થી 95 ટકા લોકો વ્યસનમુક્ત થયા છે.વ્યસનમુક્તિની સફળતા સ્પષ્ટ જોવા મળી રહી છે.
સમાજ સેવામાં કોઈને નડે નહીં તે પણ મોટી સેવા છે – ગેનીબેન ઠાકોર
સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, આપણા સમાજના નાગરિકો હવે સિક્યુરિટી વાળાની નોકરીમાંથી બહાર નીકળીને IAS અને IPS બને. સમાજે દરેક તાલુકામાં દીકરીઓ માટે ખાસ હોસ્ટેલ બનાવવી પડશે. આગામી સમયમાં સમાજની મહિલાઓની રોજગારી વિશે પણ વિચારવું જોઈશે. દીકરીઓને કોઈપણ મોરચો લડવા તૈયાર કરવી પડશે. સમાજને આગળ વધવા માટે સંઘર્ષ અને પરિશ્રમ કરવો પડ્યો છે. અન્ય સમાજો શિક્ષિત બનીને પ્રગતિ કરી રહ્યાં છે તેનું અર્થઘટન કરવા આપણા સમાજે આગળ વધવું પડશે.
આજે અડધી રાત્રે એક વિશ્વાસ માટે સમાજ ભેગો થયો છે- ગેનીબેન ઠાકોર
આ માટે જ આપણે એક મંચ પર આવ્યા છે. આવનાર સમય કોઈની રાહ જોતો નથી. સમાજની શૈક્ષણિક સંસ્થાઓ મજબૂત બનાવવી પડશે. ટેકનોલોજીની સદીમાં સારા હોદ્દાની નોકરી માટે આપણે યુવાનો માટે જાગૃત થવું પડશે. આજે અડધી રાત્રે એક વિશ્વાસ માટે સમાજ ભેગો થયો છે. સમાજના ભવિષ્યના નિર્માણને અમે સૌ એળે નહીં જવા દઈએ. રાજકારણ વ્યક્તિગત વિષય છે ત્યારે સમાજના નાગરિકના ન્યાય માટે પણ એક મંચ પર રહેવું પડશે