અમદાવાદ / હેલ્થ સ્પેશ્યલ:
દર વર્ષે ૫ નવેમ્બરના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ’ (IPOD) નિમિત્તે અમદાવાદની ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાંથી એક પ્રેરણાદાયી સાફલ્યગાથા સામે આવી છે. નડિયાદ પાસેના ચકલાસી ગામના ૭ વર્ષીય બાળક નેત્ર પટેલને જન્મજાત ખામી હોવા છતાં, અહીંના નિષ્ણાત તબીબોએ તેનો પગ કાપ્યા (એમ્પ્યુટેશન કર્યા) વગર ખાસ પ્રકારનું પ્રોસ્થેસિસ (કૃત્રિમ પગ) ફિટ કરીને તેને નવું જીવન અને આત્મનિર્ભરતા આપી છે.
પગ કાપવાની સલાહ સામે સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ બની દેવદૂત:
નેત્રને જન્મથી જ પગનો એક ભાગ નાનો હોવાની અને ઘૂંટણનું હાડકું ન હોવાની ‘કોન્જેનિટલ લિમ્બ ડેફિશિયન્સી’ નામની ગંભીર બીમારી હતી. પરિવારે અમદાવાદ, મુંબઈ અને વડોદરાની મોટી હોસ્પિટલોમાં તપાસ કરાવી, પરંતુ તમામ જગ્યાએ કૃત્રિમ અંગ બેસાડવા માટે પહેલાં પગ કાપવાની જ સલાહ આપવામાં આવી હતી. પરિવાર પોતાના પુત્રનો પગ કપાવા તૈયાર નહોતો. તેવામાં અમદાવાદ સિવિલ કેમ્પસ સ્થિત ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સ વિભાગના વડા ડૉ. મિથિલેશ સોની અને તેમની ટીમે ચોક્કસ પદ્ધતિ અને યોગ્ય નિદાન દ્વારા પગ કાપ્યા વિના જ બાળકને ખાસ પ્રકારનો કૃત્રિમ પગ સફળતાપૂર્વક ફીટ કરી આપ્યો.
લાખોનો ખર્ચ બચ્યો, આજીવન તમામ સુવિધા તદ્દન વિનામૂલ્યે:
સંસ્થાના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલે જણાવ્યું કે યોગ્ય તપાસ બાદ અપાયેલા આ પ્રોસ્થેસિસથી આજે બાળક સરળતાથી ચાલી, દોડી અને સ્કૂલે જઈ શકે છે. ખાનગી હોસ્પિટલોમાં આ પ્રક્રિયાનો અંદાજે ₹૧ થી ૧.૫ લાખનો ખર્ચ થાય છે, પરંતુ ગુજરાત સરકારના આ ઉપક્રમ હેઠળ નેત્રને સમગ્ર સારવાર નિઃશુલ્ક મળી છે. વધુમાં, બાળકના શારીરિક વિકાસ (ગ્રોથ) સાથે પ્રોસ્થેસિસનું રિ-સાઇઝિંગ અને મેન્ટેનન્સ પણ તે પુખ્ત વયનો થાય ત્યાં સુધી સંપૂર્ણપણે ફ્રી ઓફ ચાર્જ કરી અપાશે.