ગાંધીનગર / હવામાન બ્રેકિંગ:
રાજ્યમાં તહેવારોની મોસમ વચ્ચે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેને લઈને ખેડૂતોની ચિંતાઓમાં વધારો થયો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) અને વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
કયા વિસ્તારોમાં પડશે વરસાદ?
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સુરત અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી છાંટા કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ અને મધ્ય ગુજરાત તેમજ સાબરકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ બદલાવવાની શક્યતા છે.
કેમ બદલાઈ રહ્યું છે હવામાન?
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવેમ્બરની શરૂઆત દરમિયાન નવી હવામાન પ્રણાલીઓ (Weather Systems) સક્રિય થવાની સંભાવના છે, જેના પ્રભાવ હેઠળ ગુજરાતના વાતાવરણમાં આ પલટો જોવા મળી રહ્યો છે. તહેવાર ટાણે વરસાદની આગાહીથી પાક નુકસાનની ભીતિને લઈને ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.