કારોબારી સપ્તાહના અંતિમ દિવસ એટલે કે શુક્રવારે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે નબળી શરૂઆત જોવા મળી છે. સતત બે દિવસની તેજી બાદ આજે સવારે બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 84,080ના સ્તરે પહોંચ્યો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 30 પોઈન્ટ ઘટીને 25,860ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
બજારના શરૂઆતી કારોબારમાં ખાસ કરીને આઈટી (IT) સેક્ટરના શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે, જેમાં TCS, HCL ટેક્નોલોજીસ અને ઈન્ફોસિસ જેવા દિગ્ગજ શેરોમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ટાઈટન (Titan), JSW સ્ટીલ અને અદાણી પોર્ટ્સ જેવા શેરોમાં ખરીદીનો ટેકો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને મિશ્ર વૈશ્વિક સંકેતોની અસર આજે ઘરેલુ શેરબજારની ચાલ પર જોવા મળી રહી છે.
