ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મકતા કેળવવા માટે આયોજિત ‘વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) 2026–27’માં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. 27 નવેમ્બર, 2026ના રોજ નહેરુ સાયન્સ સેન્ટર, મુંબઈ ખાતે યોજાયેલી પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી મહીસાગરની ટીમે સમગ્ર પશ્ચિમ ઝોનમાં દ્વિતીય (બીજું) સ્થાન હાંસલ કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ વિજય સાથે જ ગુજરાતની ટીમે હવે આગામી 6 જાન્યુઆરી, 2027ના રોજ સાયન્સ સિટી, કોલકાતા ખાતે યોજાનારી નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2026-27ની ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવી લીધો છે.
આ પણ વાંચો: ગાંધીનગર SOGની મોટી કાર્યવાહી
રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિજેતા વિદ્યાર્થીઓ અને ટીમને અભિનંદન પાઠવતા આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ 23 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2026 દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્રો (CSC) દ્વારા ‘વિજ્ઞાન અને સમાજ’ વિષય પર જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓએ કુલ 326 નાટકો રજૂ કર્યા હતા. તેમાંથી પસંદ થયેલી 31 ટીમો વચ્ચે 14 અને 15 ઓક્ટોબર, 2026ના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી, સંજય ગોરડિયા, વિરલ રાચ્છ અને ભરત યાજ્ઞિકની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં મહીસાગર જિલ્લાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમના નાટક ‘આધુનિક યુગની અંધશ્રદ્ધા’ દ્વારા પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ પી. ભારતી (IAS) અને ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજા (IAS)ના નેતૃત્વમાં ગુજકોસ્ટ દ્વારા નિયુક્ત મેન્ટર થકી વિદ્યાર્થીઓને નાટ્યલેખન, વૈજ્ઞાનિક તથ્યો અને અભિનયની વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જેના ફળસ્વરૂપે ટીમે પશ્ચિમ ઝોનમાં બીજું સ્થાન મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
