છોટાઉદેપુર / ક્રાઈમ બ્રેકિંગ:
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામેથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. એક કલયુગી પિતાએ પોતાના જ ૮ વર્ષના માસૂમ પુત્રની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઓરસંગ નદીના કિનારે અંજામ આપ્યો:
મળતી માહિતી મુજબ, જયેશભાઈ નાયકા નામના શખ્સે તેના ૮ વર્ષના માસૂમ પુત્રને ઓરસંગ નદીના કિનારે લઈ જઈને ગળું દબાવ્યું હતું અને પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો હતો, જેના કારણે પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પુત્રની હત્યા કર્યા બાદ પિતાએ પોતાના ગળા પર બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
માનસિક તણાવમાં ભયાનક પગલું:
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની પત્ની ત્રણ વર્ષ અગાઉ ઘર છોડીને જતી રહી હતી, જેના કારણે તે સતત માનસિક ટેન્શનમાં રહેતો હતો. આ જ કારણોસર તેણે આઘાતજનક પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે.
પોલીસ તપાસ શરૂ:
લોહીલુહાણ હાલતમાં મળી આવેલા પિતા જયેશભાઈ નાયકાને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી (SSG) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અશોકભાઈ વિઠ્ઠલભાઈ નાયકાની ફરિયાદના આધારે પાવીજેતપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.