ગાંધીનગર / કેનેડા બ્રેકિંગ:
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં ગત ૧૮ ઑક્ટોબરે સિમામોસ નજીક સ્ટેટનિકી રોડ પર સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના યુવક સહિત કુલ ચાર ભારતીયોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
પાંચ વર્ષથી કેનેડામાં રહેતો હતો હિરેન:
મૃતક યુવક હિરેન આસોડિયા છેલ્લા પાંચ વર્ષથી ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડામાં રહેતો હતો. ઘટનાના દિવસે તે તેના મિત્ર સાથે બર્થ-ડે પાર્ટીમાં જવા માટે નીકળ્યો હતો, તે દરમિયાન એક મર્સિડીઝ પેસેન્જર વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થવાથી આ કરૂણ અકસ્માત સર્જાયો હતો.
મૃતદેહ વતન લાવવા પરિવારની અપીલ:
અકસ્માતને એક સપ્તાહ વીતી જવા છતાં હિરેનનો મૃતદેહ હજુ સુધી વતન પરત ન આવતા પરિવાર ભારે ચિંતા અને શોકમાં ગરકાવ છે. મૃતકના પિતા બાબુભાઈ પરમાર અને મોટી મમ્મી પુષ્પાબેને ભારત સરકાર સમક્ષ હૃદયદ્રાવક અપીલ કરી છે કે કેનેડાના સંબંધિત અધિકારીઓ સાથે તાત્કાલિક સંકલન કરીને દીકરાનો મૃતદેહ વહેલી તકે વતન લાવવામાં આવે, જેથી પરિવાર અંતિમ દર્શન અને અંતિમવિધિ કરી શકે. આ દુર્ઘટનાથી દશેલા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.