અમદાવાદ / ગાંધીનગર / રાજકીય બ્રેકિંગ:
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્યની ભાજપ સરકાર સામે આક્રમક રુખ અપનાવતાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યોએ દુષ્કાળ જાહેર કરી દીધો છે છતાં ગુજરાત સરકાર કોની રાહ જોઈ રહી છે?
સૌની યોજનાનું પાણી બંધ કરવા સામે આક્રોશ:
સરકારે નોટિફિકેશન બહાર પાડીને સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે, જેને ખેડૂતો સાથેની ક્રૂર મજાક ગણાવતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપે માત્ર ફોટા પડાવવા પૂરતું પાણી છોડીને બીજા જ દિવસે બંધ કરી દીધું છે. ખેડૂતો અને શ્રમિકો સાથે આ પ્રકારે સર્કસ રમવાનું બંધ કરવું જોઈએ.
સૌરાષ્ટ્ર-કચ્છની જનતાએ વિશ્વાસ મૂકવા છતાં સરકાર દુષ્કાળ, સિંચાઈના પાણી કે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી છે. ચૂંટણી ટાણે જ્ઞાતિના નેતાઓને ઉતારીને મતો મેળવવાની ભાજપની રણનીતિ હવે જનતા સમજી ગઈ છે. ભાડથર જિલ્લા પંચાયતમાં જનતાએ ભાજપના નેતાઓને ભગાડીને પાઠ ભણાવ્યો છે તેમ જણાવીને તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે દુષ્કાળ જાહેર નહીં કરાય તો આગામી સમયમાં જનતા ભાજપના સુપડા સાફ કરી દેશે.