અરવલ્લી/બાયડ: અરવલ્લી જિલ્લાના બાયડ-દહેગામ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને ખાસ કરીને ભારે વાહનોના ચાલકો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડાભા પાસે વાત્રક નદી પર આવેલા વર્ષો જૂના બ્રિજની ગુણવત્તા નબળી જણાતા તંત્ર દ્વારા તેને ભારે વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

ઇન્સ્પેક્શનમાં ખૂલી બ્રિજની નબળી ગુણવત્તા
પ્રાપ્ત વિગતો અનુસાર, સરકારી તંત્ર દ્વારા તાજેતરમાં જ ડાભા બ્રિજનું ટેકનિકલ ઇન્સ્પેક્શન (સઘન તપાસ) કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન બ્રિજનું માળખું જર્જરિત અને તેની ગુણવત્તા અત્યંત નબળી હોવાનું સપાટી પર આવ્યું હતું. ચોમાસાની ઋતુમાં જો આ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવાનું ચાલુ રહે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવાથી તંત્રએ તાત્કાલિક એક્શન લીધા છે.
૬૦ દિવસ સુધી જાહેરનામું રહેશે અમલમાં
આ રોડ પરથી રોજબરોજ હજારો નાના-મોટા અને માલવાહક ભારે વાહનો પસાર થાય છે, જેને પગલે હવે બ્રિજ બંધ થતાં વાહનચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર, ભારે વાહનો પર પ્રતિબંધ મુકતું આ જાહેરનામું આગામી ૬૦ દિવસ (બે મહિના) સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન બ્રિજના સમારકામ અથવા આગળની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, નાના વાહનો અને ટુ-વ્હીલર્સ માટે હાલ પૂરતી રાહત અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.