રાજકીય / ગુજરાત બ્રેકિંગ:
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અને આદિવાસી સમાજના હક-અધિકારો માટે ઉમરગામથી અંબાજી સુધીની ‘આદિવાસી ન્યાય યાત્રા’નો પ્રારંભ થયો છે. યાત્રાના પ્રારંભે પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાના ધર્મપત્નીઓ વર્ષાબેન તથા શકુંતલાબેન વસાવાએ પત્રકાર પરિષદ યોજીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ઇસુદાન ગઢવીના ગંભીર આક્ષેપો:
ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, “ચૈતર વસાવાને ભાજપે ખોટા ષડયંત્રમાં ફસાવ્યા છે. તેમની ગેરહાજરીમાં તેમનાં પત્નીઓ વર્ષાબેન અને શકુંતલાબેન ઝાંસીની રાણીની જેમ લડાઈ લડી રહ્યાં છે. વનબંધુ યોજનાના ૧ લાખ કરોડ રૂપિયા આદિવાસીઓ સુધી પહોંચવાને બદલે નેતાઓના ખિસ્સામાં ગયા છે. આદિજાતિ સલાહકાર પરિષદમાં આદિવાસી નેતાના બદલે મુખ્યમંત્રી પોતે અધ્યક્ષ બની બેસી ગયા છે જે સમાજનું અપમાન છે.” તેમણે આદિવાસીઓને હાથમાં જળ લઈને ભાજપને મત ન આપવાનો સંકલ્પ લેવા હાકલ કરી હતી.
ગોપાલ ઇટાલિયાનો સીધો પ્રહાર:
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “ભાજપનો ખેસ પહેરી રાખનારા ગુનેગારો મુક્ત ફરે છે અને સમાજના અધિકારો, શિક્ષણ અને નકલી પ્રમાણપત્રો સામે અવાજ ઉઠાવનારા ચૈતર વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા છે. ભાજપે આખા આદિવાસી સમાજનું અપમાન કર્યું છે અને ગુજરાતની જનતા એક થઈને આ અન્યાયનો કડક જવાબ આપશે.”
વર્ષાબેન અને શકુંતલાબેન વસાવાની અપીલ:
ચૈતર વસાવાના ધર્મપત્નીઓ વર્ષાબેન અને શકુંતલાબેને જણાવ્યું કે, “આ યાત્રા માત્ર ચૈતર વસાવાની નથી પણ સમગ્ર આદિવાસી સમાજના અસ્તિત્વ અને ન્યાય માટેની લડાઈ છે. ઘરનો મુખ્ય સભ્ય ન હોય ત્યારે કેટલી મુશ્કેલી પડે છે તે અમે જાણીએ છીએ, પણ જનતાનો સાથ અમારું મનોબળ મજબૂત કરે છે. તમામ યુવાનો પક્ષપાત ભૂલીને આ યાત્રામાં જોડાય.”
AAPની ‘આદિવાસી ન્યાય યાત્રા’થી ગરમાયું રાજકારણ:”અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ ભાજપને મત ન આપવાના સોગંદ લે”- ઇસુદાન ગઢવી