રાજ્યના નાગરિકોની સમસ્યાઓ અને રજૂઆતોનું સ્થાનિક કક્ષાએ જ ત્વરિત અને પારદર્શક નિરાકરણ આવે તેવા ઉદ્દેશ્ય સાથે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સ્થિત સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ‘જન સુનાવણી કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સત્તાવાર વિગતો અનુસાર, આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નાગરિકોના પ્રશ્નોના ત્વરિત અને હકારાત્મક નિરાકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
આ પણ વાંચો: ધોળકાના વટામણ ખાતે આમ આદમી પાર્ટીને મળી ‘કિસાન મહાપંચાયત’ની મંજૂરી
આ જન સુનાવણી કાર્યક્રમમાં કવાંટ તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 106 જેટલા નાગરિકો અને અરજદારો પોતાની રજૂઆતો લઈને ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રત્યેક અરજદારની સમસ્યાઓને સંવેદનશીલતા અને ધીરજપૂર્વક સાંભળી હતી.
જન સંવાદ દરમિયાન નાગરિકો દ્વારા મહેસૂલ, માર્ગ અને મકાન, પાણી પુરવઠો, વીજળી, શિક્ષણ, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા તેમજ વિવિધ વિકાસલક્ષી યોજનાઓને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ સ્થળ પર હાજર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), પોલીસ અધિક્ષક (SP) સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓને અરજદારોના પ્રશ્નોનો નિયમાનુસાર અને નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

1 thought on “નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયો જન સુનાવણી કાર્યક્રમ”