ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોતા અને TAT (Teacher Aptitude Test) ની પરીક્ષા પાસ કરનારા હજારો ઉમેદવારો માટે રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2021ના જૂના નિયમો રદ કરીને તારીખ 26 નવેમ્બર, 2026ના ગેઝેટમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક લઘુમતી શાળાઓમાં શિક્ષક ભરતી અંગેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો અમલમાં આવવાથી અત્યાર સુધી ભરતી પ્રક્રિયામાં ચાલતી શાળા સંચાલકોની મનમાની પર સંપૂર્ણ લગામ લાગી ગઈ છે અને માત્ર મેરિટ ધરાવતા મહેનતુ ઉમેદવારોની જીત થઈ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ
અગાઉની વ્યવસ્થામાં મેરિટ બન્યા બાદ પણ અંતિમ નિર્ણય શાળા સંચાલન મંડળના હાથમાં રહેતો હતો, જેના કારણે ઇન્ટરવ્યૂના ગુણ આપીને મેરિટમાં પાછળ રહેલા ઉમેદવારને પણ પસંદગી મુજબ નોકરી આપી શકાતી હતી. પરંતુ નવા નિયમો મુજબ હવે મેરિટ ફક્ત TATની મુખ્ય પરીક્ષાના ગુણના આધારે જ તૈયાર થશે અને અગાઉની જેમ શૈક્ષણિક લાયકાતનું 30 ટકા અલગ વેઇટેજ ગણવામાં આવશે નહીં. ઉમેદવારો વધુમાં વધુ 20 શાળાઓની પસંદગી આપી શકશે અને એક જગ્યા માટે ટોપ-20 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
સૌથી મોટા ફેરફાર મુજબ, ઇન્ટરવ્યૂ બાદ બનનારી અંતિમ યાદીમાં પ્રથમ ક્રમે આવનાર ઉમેદવારને જ ફરજિયાતપણે નોકરી આપવી પડશે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમના ઉમેદવાર વેઇટિંગ લિસ્ટમાં રહેશે. એટલે કે, સંચાલક મંડળ હવે પ્રથમ ક્રમના ઉમેદવારને અવગણીને અન્ય કોઈ ઉમેદવારની પસંદગી કરી શકશે નહીં. ભરતી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બને તે માટે શાળાઓએ દર વર્ષે 15 જૂન અને 15 નવેમ્બર પહેલાં ખાલી જગ્યાઓની વિગત આપવાની રહેશે. પસંદગી થયા બાદ 7 દિવસમાં શાળાએ નિમણૂકપત્ર આપવો પડશે અને ઉમેદવારે 7 દિવસમાં હાજર થવું પડશે. જો કોઈ શાળા પસંદ થયેલા ઉમેદવારને હાજર થવા ન દે, તો શાળાનું રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરાશે. બીજી તરફ, જો કોઈ ઉમેદવાર ખોટા કે બનાવટી દસ્તાવેજો રજૂ કરશે, તો તેને 5 વર્ષ માટે ભરતીમાંથી ગેરલાયક ઠરાવવામાં આવશે.
