અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલો નવો સિમેન્ટ રોડ વાહનચાલકો માટે સુવિધાને બદલે જોખમી ‘લસરપટ્ટી’ સાબિત થઈ રહ્યો છે. સાવરકુંડલાના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં નવો સિમેન્ટનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ રોડની સપાટી અત્યંત ચીકણી હોવાને કારણે ત્યાંથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો વારંવાર સ્લીપ થઈને જમીન પર પટકાઈ રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.
આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અલગ-અલગ વાહનચાલકો પોતાના બાઇક પરથી સંતુલન ગુમાવીને રસ્તા પર પટકાતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. નવા બનેલા સિમેન્ટ રોડ પર વાહનો સ્લીપ થવાના વધતા બનાવોને કારણે સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે તેમજ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
