અમદાવાદ/ધોળકા: આમ આદમી પાર્ટી (AAP) ના નેતા પ્રવીણ રામ દ્વારા સરગવાળા ખાતે કોળી સમાજના ખેડૂતો પર થયેલા કથિત પોલીસ દમન અને જીએસપીએલ (GSPL) પાઈપલાઈનના વળતરના મુદ્દે સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. પ્રવીણ રામે જણાવ્યું હતું કે, સરગવાળામાં કોળી સમાજના ખેડૂતો પર પોલીસ દમન ગુજારીને બ્રિજરાજભાઈ સોલંકી સહિત ૭ લોકો સામે હત્યાના પ્રયાસ (કલમ ૩૦૭) જેવી ગંભીર કલમો હેઠળ ખોટા કેસ નોંધવામાં આવ્યા છે, જે તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે.
પ્રવીણ રામે ખેડૂતોની જમીન સંપાદન અને વળતરનો મુદ્દો ઉઠાવતા માંગણી કરી હતી કે, દ્વારકા સુધી જીએસપીએલ પાઈપલાઈન પસાર થતી હોય તે તમામ જિલ્લાઓના અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે. પાઈપલાઈન મુદ્દે ખેડૂતોની પડતર માંગણીઓનું યોગ્ય નિરાકરણ લાવવા તેમજ સરકાર અને પોલીસના દમન સામે અવાજ ઉઠાવવા માટે આગામી ૨૯ તારીખે રવિવારે ધોળકા ખાતે એક વિશાળ ‘કિસાન મહાપંચાયત’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહાપંચાયત અંગે આહ્વાન કરતા AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ધોળકા ખાતે યોજાનારી કિસાન મહાપંચાયતમાં ગુજરાતના તમામ ખેડૂતો, કોળી સમાજ અને અન્ય તમામ સમાજો મોટી સંખ્યામાં જોડાય. ખાસ કરીને જીએસપીએલ પાઈપલાઈન જે વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યાંના તમામ ખેડૂતો મહાપંચાયતમાં ઉપસ્થિત રહીને પોતાનો અવાજ બુલંદ બનાવે અને સરકાર તથા પોલીસના દમન સામે તમામ સમાજો સાથે મળીને સંઘર્ષની લડાઈ લડે તેવી તેમણે અપીલ કરી હતી.
AAP નેતા પ્રવીણ રામની મુખ્ય માંગણીઓ અને આગામી કાર્યક્રમ
-
ખોટા કેસ પરત ખેંચવા: સરગવાળામાં કોળી સમાજના ખેડૂતો પર પોલીસ દમન બાદ બ્રિજરાજભાઈ સોલંકી સહિત ૭ લોકો પર લગાવાયેલી કલમ ૩૦૭ અને અન્ય ખોટા કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે.
-
પાઈપલાઈનનું યોગ્ય વળતર: દ્વારકા સુધી જીએસપીએલ (GSPL) પાઈપલાઈન પસાર થતી હોય તે તમામ જિલ્લાઓના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
-
કિસાન મહાપંચાયત: આગામી ૨૯ નવેમ્બર, રવિવારના રોજ ધોળકા ખાતે વિશાળ કિસાન મહાપંચાયત યોજાશે, જેમાં ગુજરાતના તમામ ખેડૂતો અને સમાજોને જોડાવા આહ્વાન કરાયું છે.
