ઇન્ટરનેશનલ / PoK બ્રેકિંગ:
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી અત્યંત ચોંકાવનારા અને હચમચાવી નાખતા સમાચાર સામે આવ્યા છે. રાવલકોટ વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા નાગરિકો પર અત્યાચારની હદો વટાવવામાં આવી છે. પાકિસ્તાની સેનાએ PoK માં નિર્દોષ નાગરિકોના ઘરો પર ડ્રોનથી હુમલો કર્યો છે અને અંધાધૂંધ ગોળીઓ ચલાવી છે, જેમાં ૩ લોકોના કરુણ મોત નીપજ્યાં છે જ્યારે ૧૮ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઉમર ફારૂક ચોક પર બની ઘટના અને ઈન્ટરનેટ સેવા બંધ:
પ્રાપ્ત વિગતો અનુસાર, આ લોહિયાળ ઘટના રાવલકોટના જાણીતા ઉમર ફારૂક ચોક પાસે બની હતી. પાકિસ્તાની સેનાની આ હિંસાત્મક કાર્યવાહીની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરિસ્થિતિ બેકાબૂ બનતા અને જનતાનો આક્રોશ ફાટી નીકળતા તંત્ર દ્વારા રાવલકોટમાં સરકારી મોબાઈલ સેવા અને ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને રોષનું વાતાવરણ ફેલાઈ ગયું છે.