ગાંધીનગર / રાજકીય બ્રેકિંગ:
ગુજરાત સરકારે અછતગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરેલી સહાયને લઈને આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકાર સામે મોરચો ખોલ્યો છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સરકારના પેકેજ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે સરકારે ૧૦૮ અછતગ્રસ્ત તાલુકાઓમાંથી માત્ર ચાર જ જિલ્લાઓમાં પ્રતિ હેક્ટર ૮,૫૦૦ (બે હેક્ટરના ૧૭,૦૦૦ રૂપિયા) આપીને ૫૪ લાખ ખેડૂતો અને માલધારીઓની ભયંકર મજાક કરી છે.
અન્ય રાજ્યો સાથે સરખામણી અને મુખ્ય માંગણીઓ:
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે પંજાબમાં હેક્ટરે ૫૦,૦૦૦ અને મહારાષ્ટ્રમાં લાખો ખેડૂતોનું દેવું માફ કરી રોકડ રકમ જમા કરાઈ છે, જ્યારે ગુજરાતમાં ખેડૂતોના ખિસ્સામાં ૧૦,૦૦૦ રૂપિયા રોકડા પણ નથી. વીઘે ૨૦ થી ૨૧ હજાર રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં અઢી વીઘે માત્ર ૮,૫૦૦ રૂપિયા આપવા અન્યાય છે. ‘આપ’ દ્વારા માંગ કરવામાં આવી છે કે ખેડૂતોના તમામ દેવા માફ કરવામાં આવે અને સહાય વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરવામાં આવે.
૨૦૨૭ની ચૂંટણી અને ભાજપ સામે ચીમકી:
સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો પોપટ બની ગયા છે. જો સરકાર ખેડૂતોનું દેવું માફ નહીં કરે, તો આગામી ૨૦૨૭ ની ચૂંટણીમાં ‘આપ’ ની સરકાર બનતા જ ખેડૂતોનું દેવું માફ કરીને ભાજપના સૂપડા સાફ કરી દેવામાં આવશે. સિંચાઈનું પાણી, વીજળી અને ભાગ્યાઓ માટે કોઈ વ્યવસ્થા ન હોવાના આક્ષેપો સાથે તેમણે સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.