ઇન્ટરનેશનલ / વર્લ્ડ બ્રેકિંગ:
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ફરી એકવાર જાતીય શોષણ અને બળાત્કારનો ગંભીર આરોપ લાગતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. સ્વિટ્ઝર્લૅન્ડની પૂર્વ મોડેલ અને ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝર્લેન્ડ બીટ્રિસ ક્યૂલએ યુએસ સંસદના ડેમોક્રેટિક સભ્યો દ્વારા જાહેર કરાયેલા નવા તપાસ અહેવાલમાં ચોંકાવનારો દાવો કર્યો છે.
૧૯૯૩ની ઘટનાનો ગંભીર ખુલાસો:
ક્યૂલના જણાવ્યા અનુસાર, ૧૯૯૩માં ન્યૂયોર્કની પ્રખ્યાત પ્લાઝા હોટેલમાં ‘અમેરિકન ડ્રીમ પેજન્ટ’ દરમિયાન ટ્રમ્પે તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટના બાદ તેમના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી પણ વહ્યું હતું. અગાઉ ૨૦૨૪ માં તેમણે માત્ર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો, પરંતુ નવા તપાસ રિપોર્ટમાં તેમણે કમિટી સમક્ષ બળાત્કાર થયો હોવાની વાત સ્વીકારી છે.
અન્ય મહિલાઓના પણ ગંભીર આરોપો:
આ જાહેર થયેલા તપાસ અહેવાલમાં ટ્રમ્પ પર આરોપ લગાવનારી અન્ય મહિલાઓનો પણ ઉલ્લેખ છે, જેમાં સ્ટેસી વિલિયમ્સ, કેટી જૉનસન અને જેન નામની મહિલાઓના કેસ સામેલ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જિલ હાર્થ, જેન ડો અને ઈ જિન કેરોલ દ્વારા પણ ટ્રમ્પ પર બળાત્કાર અને શોષણના આરોપો લાગી ચૂક્યા છે.