વ્યારા / તાપી / રાજકીય બ્રેકિંગ:
તાપી જિલ્લાના વ્યારા ખાતે શેરડીના બાકી નીકળતા નાણાં ન મળવાને કારણે ગત ૨જી ઑક્ટોબરથી છેલ્લા ૨૪ દિવસથી ધરણાં પર બેસેલા ખેડૂતોની વહારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા. તેમણે ધરણાં સ્થળની મુલાકાત લઈને ભાજપ સરકાર અને સુગર ફેક્ટરીના સંચાલકો સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોના ૯ થી ૧૦ કરોડ રૂપિયા ફસાયા:
ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે સુગર ફેક્ટરી અને તેમાં બેઠેલા નેતાઓ ખેડૂતોની મહેનતના બીજા અને ત્રીજા હપ્તાના આશરે ૯ થી ૧૦ કરોડ રૂપિયા ખાઈ ગયા છે. પરિણામે કરિયાણા અને ટ્રેક્ટર વાળાના ઉઘરાણાથી સામી દિવાળીએ ખેડૂતોની જન્માષ્ટમી અને દિવાળી બંને બગડી ગઈ છે, છતાં સરકાર અને અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.
સરકાર અને નેતાઓ સામે આક્રમક તેવર:
મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી પર પ્રહાર કરતા તેમણે માંગ કરી હતી કે સરકાર પોતાના ફંડમાંથી કે ૧૫% વ્યાજ સાથે ખેડૂતોના નાણાં તુરંત ચૂકવે. ખેડૂતોની વેદના ન સમજનારા નેતાઓને ‘નમાલા’ ગણાવીને તેમણે કહ્યું કે ટિકિટ જતી રહેવાના ડરે ન બોલનારા નેતાઓ કરતા ધરણાં પર બેસનાર ખેડૂતો શ્રેષ્ઠ છે. જો વહેલી તકે નાણાં નહીં ચૂકવાય તો જવાબદારો સામે કોર્ટમાં છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.