ગુજરાતમાં શિયાળાની ઠંડીની રાહ જોઈ રહેલા નાગરિકો અને ખેડૂતો માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ અને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 2-3 ડિસેમ્બર બાદ રાજ્યમાં વિધિવત રીતે ઠંડીનો માહોલ જામવાની શરૂઆત થશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં થનારી હિમવર્ષા અને ત્યાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે ગુજરાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ઠંડીનું જોર વધશે.
આ પણ વાંચો: એકતાનગરના પ્રવાસન વૈભવમાં થશે વધુ એક ઐતિહાસિક ઉમેરો
આગાહીમાં વધુમાં જણાવાયું છે કે, ડિસેમ્બર મહિનાના મધ્યમાં એટલે કે 17થી 19 ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે અને નવા વર્ષની શરૂઆતમાં રાજ્યવાસીઓને કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
હવામાનમાં થનારા આ ફેરફારોની સાથે અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ ખાસ ચેતવણી ઉચ્ચારી છે. તેમના મતે, વાતાવરણમાં ભેજ અને ઠંડીની વધઘટને કારણે રવિ પાકો, ખાસ કરીને જીરું સહિતના પાકમાં રોગ અને ઈયળોનો ઉપદ્રવ થવાની આશંકા છે, જેથી ખેડૂતોને પાકના રક્ષણ માટે આગોતરું આયોજન કરવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.
