ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મિલની ચાલી ખાતે એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલ તોડતી વખતે અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ત્રણ માસૂમ બાળકો સહિત કુલ 8 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, કુંભારવાડાની મિલની ચાલી વિસ્તારમાં કેટલાક શ્રમિક પરિવારના લોકો ભંગારમાં એકઠી કરાયેલી સ્પ્રેની બોટલો તોડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન બોટલમાં રહેલા ગેસ કે જ્વલનશીલ પ્રવાહીના દબાણને કારણે અચાનક જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાની સાથે જ સ્થળ પર આગ ભભૂકી ઉઠી હતી, જેની ઝપેટમાં બોટલ તોડી રહેલા લોકો અને આસપાસ રમી રહેલા બાળકો આવી ગયા હતા.
આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત 8 વ્યક્તિઓ દાઝી જતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ (Sir T. Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે.
