રાજકોટ / ક્રાઈમ & સેફ્ટી બ્રેકિંગ:
દિવાળીના પર્વ નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા તહેવારો દરમિયાન નાગરિકો સુરક્ષિત રહે તે માટે રાજકોટ શહેર પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. તહેવારોને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા એક વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા દ્વારા નાગરિકો માટે મહત્વની સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ઘર ખાલી કરતા પહેલા રાખો આ સાવચેતી:
તહેવારોમાં મોટાભાગના લોકો બહાર ફરવા કે પ્રવાસ પર જતા હોય છે, જેના કારણે ઘરફોડ ચોરીનું જોખમ વધે છે. પોલીસે અપીલ કરી છે કે નાગરિકો બહાર જતા સમયે ઘરને સુરક્ષિત તાળા મારે, વિશ્વાસપાત્ર પડોશીઓને જાણ કરે અને કિંમતી દાગીના તથા રોકડ રકમ બેંકના લોકરમાં સુરક્ષિત રાખે. તેમજ સુરક્ષાના ભાગરૂપે સોશિયલ મીડિયા પર લાઈવ લોકેશન કે ફરવા જવાના ફોટા-વીડિયો તરત અપલોડ ન કરવા તાકીદ કરાઈ છે.
ખાનગી CCTV એક્સેસ અને ડિજિટલ અરેસ્ટથી સાવધાન:
આ વખતે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સોસાયટીઓ અને અન્ય ખાનગી CCTV કેમેરાનું એક્સેસ પણ પોલીસ દ્વારા લેવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે અને આંગડિયા પેઢીઓ તથા જ્વેલરી બજારમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડીસીપીએ ખાસ ચેતવણી આપી છે કે ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી કોઈ સત્તાવાર વસ્તુ હોતી નથી, તેથી કોઈપણ પ્રકારના ફ્રોડ કોલથી સાવધાન રહેવું.