રાજ્યના સામાન્ય અને ગરીબ દર્દીઓને શ્રેષ્ઠ અને આધુનિક નેત્ર સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલો માટે રૂ. ૮.૮૫ કરોડથી વધુના અંદાજિત ખર્ચે ૧૮ ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.
કઈ હોસ્પિટલોને કેટલા મશીન મળશે?:
એમ. એન્ડ જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી (અમદાવાદ) ને સૌથી વધુ ૭ મશીન
ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (ભાવનગર) ને ૨ મશીન
જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (મોરબી) ને ૨ મશીન
સુરત (ન્યૂ અને ઓલ્ડ સિવિલ), જામનગર, વડોદરા, ગાંધીનગર, વડનગર અને હિંમતનગર ખાતે ૧-૧ મશીન ફાળવવામાં આવશે.
મશીનની મુખ્ય વિશિષ્ટતાઓ અને ફાયદા:
આ અદ્યતન મશીનથી આંખના મોતિયાનું ઓપરેશન વધુ ચોક્કસાઈ અને સુરક્ષા સાથે થઈ શકશે.
તેમાં રહેલી Ellips FX અને CASE ટેક્નોલોજીથી ઓપરેશન દરમિયાન આંખ પર ગરમી ઓછી ઉત્પન્ન થાય છે અને દબાણ સ્થિર રહે છે.
પરિણામે ઓપરેશન પછી આંખમાં સોજો આવવાનું જોખમ ઘટે છે અને દર્દીઓ ઝડપથી રિકવર થઈને સ્વસ્થ થાય છે.