પોલીસ ઈન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે ₹2.04 કરોડ પડાવનાર ભેજાબાજ બ્રિજેશ પટેલ વાસદ ટોલ નાકા પાસેથી ઝડપાયો
સાયબર ગઠિયાઓ દ્વારા નાગરિકોને ડરાવીને પૈસા પડાવવાના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે વડોદરા ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ‘ડિજિટલ એરેસ્ટ’ (Digital Arrest) ના નામે અલગ-અલગ લોકો પાસેથી કુલ ₹૨.૦૪ કરોડની ઓનલાઇન છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી બ્રિજેશ પટેલને વાસદ ટોલ નાકા પાસેથી ઝડપી પાડ્યો છે.
કેવી રીતે લોકોને ‘ડિજિટલ એરેસ્ટ’ની જાળમાં ફસાવતો હતો?
પોલીસ તપાસમાં આરોપીની મોડસ ઓપરેન્ડી અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે:
-
નકલી PI બની વીડિયો કોલ કરતો: આરોપી બ્રિજેશ પટેલ ભોગ બનનાર વ્યક્તિઓને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ની ખોટી ઓળખ આપીને વીડિયો કોલ કરતો હતો.
-
ગંભીર ગુનાઓમાં ફસાવવાની ધમકી: વીડિયો કોલ પર તે નાગરિકોને ડ્રગ્સ, મની લોન્ડરિંગ તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ખોટા કેસમાં ફસાવી દેવાની અને ધરપકડ કરવાની ધમકી આપી માનસિક દબાણ ઊભું કરતો હતો.
-
કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા: ધરપકડના ડરથી ગભરાઈ ગયેલા લોકો પાસેથી તેણે તબક્કાવાર અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹૨.૦૪ કરોડ ટ્રાન્સફર કરાવીને ઠગાઈ આચરી હતી.
૪ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો
વડોદરા ક્રાઈમ બ્રાંચે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસની મદદથી વાસદ ટોલ નાકા પાસે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો હતો. આરોપીની ધરપકડ સાથે જ રાજ્યના ચાર અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે:
-
વડોદરા શહેર: અકોટા અને પાણીગેટ પોલીસ સ્ટેશન
-
કચ્છ જિલ્લો: આદિપુર અને ગાંધીધામ પોલીસ સ્ટેશન
હાલ વડોદરા ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપી બ્રિજેશ પટેલની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેથી આ ડિજિટલ એરેસ્ટ ગેંગમાં અન્ય કેટલા સાગરિતો સામેલ છે અને ઠગાઈની રકમ ક્યાં-ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે તેની વિગતો બહાર આવી શકે.