રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા ખુશખબર: હીરાસર એરપોર્ટને મળી ફોરેન ઇમિગ્રેશનની મંજૂરી, હવે સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના હવાઈ મુસાફરો, ઉદ્યોગપતિઓ અને NRI પરિવારોની વર્ષો જૂની આતુરતાનો આખરે અંત આવ્યો છે. રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને કેન્દ્ર સરકાર તરફથી ‘ફોરેન ઇમિગ્રેશન’ (Foreign Immigration) માટેની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણયને પગલે હવે આગામી સમયમાં રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થવાનો માર્ગ મોકળો થયો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજકોટના હીરાસર એરપોર્ટનો ‘કેટેગરી-1 ઈમિગ્રેશન એરપોર્ટ’માં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હીરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ ગયું હોવા છતાં જરૂરી મંજૂરીઓના અભાવે અત્યાર સુધી અહીંથી માત્ર ડોમેસ્ટિક (સ્થાનિક) ફ્લાઇટ્સ જ ઉડતી હતી. જોકે, હવે ઇમિગ્રેશનની મંજૂરી મળતા આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવાની પ્રક્રિયા તેજ બનશે.
સૌરાષ્ટ્રને કયા મોટા ફાયદા થશે?
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના વિકાસને નવી ગતિ મળશે:
-
સમય અને નાણાંની બચત: વિદેશ પ્રવાસ કરતા સૌરાષ્ટ્રના નાગરિકો, વિદ્યાર્થીઓ અને NRI પરિવારોને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડવા માટે હવે અમદાવાદ કે મુંબઈ સુધી લાંબા થવું પડશે નહીં.
-
ઉદ્યોગ અને વેપારને વેગ: રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર સહિતના ઔદ્યોગિક હબના વેપારીઓને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળવાથી એક્સપોર્ટ-ઇમ્પોર્ટ અને બિઝનેસ ટ્રાવેલિંગમાં મોટો ફાયદો થશે.
-
પર્યટન ક્ષેત્રનો વિકાસ: ગીર, સોમનાથ, દ્વારકા અને કચ્છ તરફ આવતા વિદેશી પ્રવાસીઓ હવે સીધા રાજકોટ ઉતરી શકશે, જેનાથી સૌરાષ્ટ્રના ટુરિઝમ સેક્ટરને મોટું પ્રોત્સાહન મળશે.