અંબાજી પ્રવાસ રદ થયા બાદ PM મોદીનું અમદાવાદમાં આગમન: ગાંધીનગરમાં મંત્રીઓ સાથે ખાસ ડિનર બેઠક, રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૧૩ નવેમ્બર, શુક્રવારના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના અગ્રણી નેતાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ગાંધીનગર લોકભવન ખાતે ગુજરાત સરકારના મંત્રીમંડળ સાથે મહત્ત્વપૂર્ણ ડિનર બેઠક યોજવાના છે.
૧૩૨ દિવસ બાદ ફરી મંત્રીઓ સાથે બેઠક
નોંધનીય છે કે, અગાઉ ૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક કર્યા બાદ હવે ૧૩૨ દિવસ પછી વડાપ્રધાન ફરી એકવાર મંત્રીઓ સાથે રૂબરૂ બેઠક કરી રહ્યા છે.
-
અગાઉની બેઠકનો એજન્ડા: જુલાઈ મહિનાની બેઠકમાં સરકારી વિભાગોની કામગીરી, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
-
આજની બેઠકની શક્યતાઓ: રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આજની બેઠકમાં પણ રાજ્ય સરકારની કામગીરીની સમીક્ષા તેમજ આગામી રાજકીય અને વહીવટી પ્રાથમિકતાઓ અંગે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે.
અંબાજી પ્રવાસ રદ થતાં ગાંધીનગર પૂરતો મર્યાદિત રહ્યો કાર્યક્રમ
અગાઉ ૧૪ નવેમ્બરે લાભપાંચમના પવિત્ર દિવસે બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરવાનો વડાપ્રધાનનો કાર્યક્રમ નિર્ધારિત થયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેને મોકૂફ રાખવામાં આવ્યો છે. અંબાજીનો કાર્યક્રમ રદ થયા બાદ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ હવે ગાંધીનગર સુધી મર્યાદિત રહ્યો છે.
PA-PS અને કમાન્ડોને પ્રવેશ નહીં? ગાંધીનગરમાં અટકળોનું બજાર ગરમ
અંબાજીનો પ્રવાસ રદ થયા બાદ PM મોદી માત્ર ગાંધીનગરમાં ડિનર બેઠક માટે આવ્યા હોવાથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે:
-
મંત્રીઓને સાંજે ૭ વાગ્યે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
-
આ બેઠકમાં મંત્રીઓના PA-PS અને સુરક્ષા કમાન્ડોને પણ પ્રવેશ નહીં આપવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે.
આ સંજોગોમાં ગાંધીનગરના સત્તાના કોરિડોરમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે, શું વડાપ્રધાન માત્ર ડિનર માટે ગાંધીનગર આવ્યા છે કે પછી આગામી સમયમાં પાર્ટી અને સરકારના માળખામાં કોઈ મોટા ફેરફાર કે નવાજૂની થવાના એંધાણ છે?