ગુજરાતના રાજકારણમાં હાલ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કોળી સમાજમાંથી મુખ્યમંત્રી હોવા જોઈએ તેવું નિવેદન આપવામાં આવ્યા બાદ અને મંત્રી પરષોત્તમ સોલંકીની ટિપ્પણીઓ પછી સમગ્ર રાજ્યમાં આ મુદ્દે ચર્ચાઓ તેજ બની હતી. આ રાજકીય ઘમાસાણ વચ્ચે હવે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના સૂર બદલાયેલા જોવા મળ્યા છે અને તેમણે આ સમગ્ર વિવાદ પર પોતાની મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે.
મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય હીરા સોલંકીએ મુખ્યમંત્રીના ચહેરા અંગે ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી કોને બનાવવા તે પક્ષ અને હાઈકમાન્ડ નક્કી કરે છે. અગાઉ સમાજના કાર્યક્રમોમાં આક્રમક અંદાજમાં જોવા મળેલા હીરા સોલંકીએ હવે પક્ષની શિસ્ત અને નિર્ણય પ્રક્રિયાને સર્વોપરી ગણાવીને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. તેમના આ નિવેદન બાદ ગુજરાતના રાજકીય વર્તુળોમાં અને ખાસ કરીને કોળી સમાજના આગેવાનોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.