ભારતમાં આવવું હવે વધુ સરળ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિઝા પ્રક્રિયામાં કર્યા મોટા સુધારા, 172 દેશોના નાગરિકોને થશે ફાયદો
ભારત સરકાર દ્વારા વિદેશી નાગરિકો માટે દેશમાં આવવાની વિઝા વ્યવસ્થાને અત્યંત સરળ અને પારદર્શક બનાવવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિઝા પ્રક્રિયામાં મોટા પાયે સુધારા કરીને વિઝા કેટેગરી અને અરજી ફોર્મની જટિલતાઓમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
વિઝા પ્રક્રિયામાં કરવામાં આવેલા મુખ્ય ફેરફારો:
વિકસિત દેશોની વિઝા પ્રણાલી અને આંતરરાષ્ટ્રીય ધોરણોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે:
-
મુખ્ય શ્રેણીઓમાં ઘટાડો: વિઝાની મુખ્ય શ્રેણીઓ (Main Categories) ૧૩થી ઘટાડીને હવે માત્ર ૯ કરી દેવામાં આવી છે.
-
ઉપ-શ્રેણીઓ પણ ઘટી: વિઝાની ઉપ-શ્રેણીઓ (Sub-Categories) ૪૯થી ઘટાડીને ૨૩ કરવામાં આવી છે, જેથી અરજદારોને યોગ્ય કેટેગરી પસંદ કરવામાં સરળતા રહેશે.
-
ફોર્મ ભરવાની ઝંઝટ ઓછી: વિઝા અરજી ફોર્મમાં પણ ૬૫થી ૭૦ ટકા જેટલી બિનજરૂરી કોલમ ઘટાડી દેવામાં આવી છે, જેનાથી અરજી કરવાનો સમય બચશે.
૧૭૨ દેશોના નાગરિકોને મળશે સીધો લાભ
મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં આ નવી અને સરળ વિઝા વ્યવસ્થા સંપૂર્ણપણે અમલમાં આવી જશે. સરકારના આ નિર્ણયનો સીધો લાભ વિશ્વના ૧૭૨ દેશોના નાગરિકોને મળશે.
આ સુધારાથી ભારતમાં પ્રવાસન (Tourism), વેપાર-ધંધો, શિક્ષણ અને મેડિકલ ટુરિઝમ માટે આવતા વિદેશી નાગરિકોની સંખ્યામાં મોટો વધારો થવાની અપેક્ષા છે.