અમરેલી: દિવાળીના તહેવારો અને વેકેશનના દિવસો દરમિયાન ગીરના જંગલો અને રેવન્યુ વિસ્તારોમાં પ્રવાસીઓનો મોટો ધસારો રહેતો હોય છે. આ સમયગાળા દરમિયાન ગેરકાયદેસર રીતે થતા લાયન શો (સિંહ દર્શન)ની અનિચ્છનીય પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાથવા માટે ગીર પૂર્વ વન વિભાગ, ધારી દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. વન વિભાગે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે લાલ આંખ કરીને આખું તંત્ર એક્શન મોડમાં મૂકી દીધું છે.
સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ગેરકાયદે લાયન શો અટકાવવા માટે ખાસ ‘સ્પેશિયલ ટાસ્ક ફોર્સ’ (STF) ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વનકર્મીઓની અલગ-અલગ પેટ્રોલિંગ ટીમો બનાવી સમગ્ર ગીર વિસ્તારમાં દિવસ-રાત જબરજસ્ત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જંગલની બોર્ડર, નેસડાઓ અને સિંહોની અવરજવર ધરાવતા રેવન્યુ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ અસામાજિક તત્વો પ્રવાસીઓને ગેરકાયદે લાયન શો ન કરાવી શકે.
વન્યજીવોને ખલેલ પહોંચાડવી ગંભીર ગુનો વન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, સિંહ સહિતના વન્યપ્રાણીઓનો પીછો કરવો, તેમને ખોરાક કે ફ્લેશ લાઈટ વડે આકર્ષિત કરવા અથવા તેમના કુદરતી આવાસમાં ખલેલ પહોંચાડવી એ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો બને છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદે લાયન શો કરતી કે કરાવતી ઝડપાશે, તો તેની સામે કાયદેસરનો ગુનો નોંધી જેલભેગી કરવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે.
દિવાળીના તહેવાર દરમિયાન ગીરનું વાતાવરણ શાંત રહે અને વનરાજોની સુરક્ષા જળવાઈ રહે તે માટે વન વિભાગ સંપૂર્ણપણે સતર્ક થઈ ચૂક્યું છે.