અમદાવાદ / લો એન્ડ ઓર્ડર:
અમદાવાદ શહેરમાં વધતી જતી વસ્તી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે પોલીસ તંત્રમાં મહત્વનો ઉમેરો થયો છે. શહેરમાં નવા ત્રણ પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે, જેનું વિધિવત લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી/ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ત્રણ નવા વિસ્તારોને મળ્યા સ્વતંત્ર પોલીસ મથકો:
શહેરના વિકાસ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરા ખાતે આ ત્રણ નવા પોલીસ સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા નવનિર્મિત મોટેરા પોલીસ સ્ટેશન ખાતેથી મુખ્ય કાર્યક્રમ યોજીને અન્ય પોલીસ સ્ટેશનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા પોલીસ મથકો શરૂ થવાથી આ વિસ્તારોના નાગરિકોને પોલીસ સેવાઓ વધુ ઝડપી અને સરળતાથી ઉપલબ્ધ બનશે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ:
આ લોકાર્પણ સમારોહમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાગરિકોની સલામતી, ક્રાઈમ કંટ્રોલ અને સ્માર્ટ પોલિસિંગના વિઝન સાથે અમદાવાદ પોલીસની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

