અમદાવાદ / સિટી બ્રેકિંગ:
અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અત્યંત કડક રૂખ અપનાવવામાં આવ્યો છે. તાજેતરમાં મળેલી ઉચ્ચસ્તરીય રિવ્યુ બેઠકમાં કમિશનરે RTO અને GPCBના અધિકારીઓની હાજરીમાં આકરી નારાજગી વ્યક્ત કરી હતી અને શહેરમાં પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે મેગા ડ્રાઇવ શરૂ કરવાના આદેશ આપી દીધા છે.
૧૫ વર્ષ જૂનાં વાહનો સીઝ કરાશે:
બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો હવે અમદાવાદના રસ્તાઓ પર ૧૫ વર્ષથી વધુ જૂનાં પ્રદૂષણ ફેલાવતા વાહનો દોડતા નજરે પડશે, તો તેને તાત્કાલિક ધોરણે સીઝ કરી દેવામાં આવશે. વાહનચાલકો અને માલિકોએ હવે કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.
બાંધકામ સાઇટ્સ સામે લાલ આંખ:
વાહનો ઉપરાંત એરપોર્ટ અને રાયખડ વિસ્તારમાં એન્ટિ-પોલ્યુશન નિયમોનું ઉલ્લંઘન કરીને બેરોકટોક ધમધમતી બાંધકામ સાઇટ્સ સામે પણ તંત્ર દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. નિયમો ન પાળતી આવી સાઇટ્સને સીલ કરવાના આદેશ અપાયા છે, જેનાથી બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.